Ahmedabad Traffic Police: અમદાવાદમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને હાઈકોર્ટે પણ ઘણીવાર ટ્રાફિક પોલીસને ફટકાર લગાવી છે. તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી. ઘણીવાર તો એવું પણ જોવા મળે છે કે, ટીઆરબી જવાનો ચાર રસ્તા પર સિગ્નલ પર ઉભા તો હોય છે, પણ પોતાના ફોનમાં જ પડ્યા હોય છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસે કડક પગલાં લીધાં છે. ટીઆરબી જવાનો અને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરાવે છે કે નહીં તેની નજર રાખવા માટે ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીએ સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડની રચના કરી છે.
આ ટીમ દ્વારા જે પણ ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન ફરજ પર હશે તેમને ફરજિયાત બોડીવોર્ન કેમેરા પહેરાવશે. જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં હાજર મોનિટરિંગ સ્ક્વોડ દ્વારા જ કરવામાં આવશે. જો કોઈ ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની ગફલત કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.