વડોદરામાં ભાજપૂના પૂર્વ પ્રમુખની સોશિયલ મીડિયા પોસ્ટથી વધુ એક મુદ્દે ચર્ચા છેડાઈ છે. ભાજપ ના પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહ સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અકસ્માતના કેસ ઘટાડવાને લઈને અપીલ કરી છે. પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. આથી સરકાર નિર્ભયા જેવા ફંડની જાહેરાત કરે.
અકસ્માત ઘટાડવા કડક કાયદો જરૂરી
ગતરોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત નિપજયું હતું. આ અકસ્માતને લઈને આજે પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અપીલ કરી. ડો.વિજય શાહે અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને સરકારે કડક પગલા લેવા જરૂરી છે. અકસ્માતની ઘટનામાં આરોપીઓને જલ્દી સજા મળે એ માટે વિશેષ કાયદો બનાવવો જોઈએ.
તહેવાર બની દુર્ઘટના
મહત્વનું છે કે રાજ્યમાં ગત રોજ હોળી તહેવારની સાંજ બાદ ધુળેટીના તહેવારની સવાર સુધીમાં વડોદરા, દહેગામ અને ગીર સોમનાથમાં અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. દહેગામ રફતારના રાક્ષસે દંપતીનો ભોગ લીધો.જ્યારે વડોદરાના કારેલીબાગમાં કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત નિપજયું. અને ગીર સોમનાથમાં યાત્રિકો ભરેલ ખાનગી બસે પલટી ખાતા મુસાફરનું મોત નિપજયું હતું. ખાનગી બસમાં 55 લોકો મુસાફરી કરતા હતા અને અકસ્માતની ઘટનામાં 23 લોકોને ગંભીર ઇજા પંહોચી હતી.
નશો કરી અકસ્માત કરવાના કિસ્સા વધ્યા
મોટાભાગના અકસ્માતમાં ડ્રાઈવર નશો કરી ગાડી હંકારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અને એટલે જ રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને વધુ કડક કાયદો બનાવવામાં આવે તેમજ અકસ્માતમાં ભોગ બનનારા પીડિતોને આર્થિક સહાય મળે માટે અકસ્માત પીડિતો માટે નિર્ભયા જેવા ફંડ શરૂ કરવાની અપીલ કરી.