Surendranagarમાં નર્મદાના નીર પહોંચાડવાના નિર્ધાર થકી સૂકા ભઠ્ઠ જેવો વિસ્તાર નંદનવન બન્યો

એક સમય હતો, જયારે સૌરાષ્ટ્રના અનેક ગામો પાણીની તંગી વચ્ચે ટળવળતા હતા. ગામડાની બહેનો એક બેડું પાણી ભરવા માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરતી હતી. અગાઉના સમયમાં વરસાદ સહેજ ખેંચાય તો દુકાળના ડાકલા વાગતા. પરંતુ આજથી ૨૩ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષરૂપમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે.રાજ્ય સરકારે જનકલ્યાણને પ્રથમ પ્રાધાન્ય આપી પ્રજાની સુખાકારીમાં અવિરત વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા આયોજનને લીધે ગુજરાતની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અભૂતપૂર્વ વિકાસ થયો છે.સૌરાષ્ટ્રનો ભૌગોલિક વિસ્તાર ઊંધી રકાબી જેવો હોવાથી અહીં પીવા તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન કાયમી રહેતો.સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટૂંકી લંબાઈ ધરાવતી નદીઓ છે. જેમાં બારેમાસ પાણી રહેતું નથી. સૌરાષ્ટ્રમાં પીવા તેમજ સિંચાઈ માટે પાણીની કાયમી માગ રહેતી હતી.

ગામે-ગામ નર્મદાના નીર પહોંચાડવાનો નિર્ધાર

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગામે-ગામ નર્મદાના નીર પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો. તેમના વિઝન અનુસાર, ગુજરાત રાજ્યમાં વોટરગ્રીડ તૈયાર થઈ. જેના માટે અનેક પમ્પિંગ સ્ટેશનો ઉભા કરવાની જરૂરિયાત જણાઈ હતી. જેના ભાગરૂપે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે સ્થાપિત કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ૨૦ માર્ચ, ૨૦૦૭ના રોજ કરવામાં આવ્યું હતું. ઢાંકી પમ્પિંગ સ્ટેશન “સૌની” યોજનાનું મહત્વનું કેન્દ્ર છે. અહીંથી પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોકલવામાં આવે છે. અહીંયા વિશાળ પંપ એક સેકન્ડમાં ૨૦ હજાર લિટર પાણી છોડે છે, અને તે પ્રવાહથી વહીને આગળ સુધી પહોંચે છે.

જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ

સુરેન્દ્રનગર જિલ્લાનો છેલ્લા બે એક દાયકાનો વિકાસ જોઈએ તો, આ સમયગાળા દરમિયાન જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક મહત્વના પ્રયાસો અને યોજનાઓનું અમલીકરણ થયું છે, જેના કારણે સુકાભઠ્ઠ પ્રદેશ એવા ઝાલાવાડમાં ભૂર્ગભ જળ સપાટીનું સ્તર નોંધપાત્ર રીતે ઉંચે આવ્યું છે. એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ઓછા વરસાદનાં કારણે ખેતી ક્ષેત્રે પછાત ગણાતો હતો, જે હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે ગણાવા લાગ્યો છે. સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધતા કૃષિ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું છે. જેના પરિણામે ખેતપેદાશમાં પણ વધારો થયો છે.

નર્મદાની નહેરોનો મોટો હિસ્સો

ગુજરાત રાજ્યમાં નર્મદા કેનાલનો મોટો હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. તેમાં પણ નર્મદાની નહેરોનો મોટો હિસ્સો લખતર તાલુકામાંથી પસાર થાય છે. ત્યારે લખતર તાલુકાનાં ઢાંકી ગામે નર્મદા કેનાલ ઉપર નિર્માણ પામેલા પમ્પિંગ સ્ટેશન એ ભારત દેશનું એન્જિનિયરિંગ માર્વેલ છે અને જો આ વાતને બીજી રીતે કહીએ તો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેવાના પાણી મોભે ચડાવ્યા છે. આજે આ પમ્પિંગ સ્ટેશનના કારણે કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પીવાનું પાણી પહોંચ્યું છે.

પાણી ઉપાડીને પમ્પિંગ

ઢાંકીથી ધોળીધજા ડેમ સુધી અંદાજિત ૭૧ મીટર એટલે કે ૨૪ માળ ઉંચા મકાન જેટલી ઊંચાઇએ નર્મદા નદીના નીર લિફ્ટ કરી પહોંચાડીને રાજ્ય સરકારે લોક સુખાકારી માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. નર્મદા માસ્ટર પ્લાનમાં ગુજરાત રાજ્યના ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ – ૧૯૯૯ માં “ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ” (GWIL) ની રચના કરવામાં આવી. જી.ડબલ્યુ. આઇ.એલ. દ્વારા આજદિન સુધીમાં નર્મદા કેનાલ આધારિત અલગ અલગ કુલ ૪૧ પ્રોજેક્ટ ની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે અને ૨ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. ઉપરોક્ત પ્રોજેક્ટ દ્વારા દૈનિક ૧૬૦ કરોડ લિટર પાણી ઉપાડીને પમ્પિંગ કરવામાં આવે છે.

ત્રણ પમ્પિંગ સ્ટેશન હાલ કાર્યરત

જી.ડબલ્યુ.આઈ.એલ. હસ્તક ઢાંકી ખાતે કુલ ત્રણ પમ્પિંગ સ્ટેશન હાલ કાર્યરત છે. અને બે પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. ૭૦૦ ઘન ફુટ પ્રતિ સેકંડ ક્ષમતાના કુલ ૧૦ પંપ અને ૧૭૫ ઘન ફુટ પ્રતિ સેકંડ ક્ષમતાના કુલ ૬ પંપ આવેલા છે. આ પમ્પિંગ સ્ટેશન થકી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ, જામનગર, રાજકોટ અને ભાવનગર વિસ્તારના ૬૬ તાલુકાના ૪૫૪૫ ગામો અને ૮૨ શહેરોની કુલ ૧૮૪.૦૦ લાખ વસ્તીને દૈનિક પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઢાંકી ગામનું નામ સમગ્ર એશિયા ખંડમાં નામાંકીત છે.

સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણિયારૂં બની ગયું

ઢાંકી પમ્પિંગ સ્ટેશન બનાવ્યા બાદ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણિયારૂં બની ગયું છે. દૂધરેજ પાસે અલગ અલગ સંપ બનાવીને છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી નર્મદાના નીર પહોચાડવામાં આવી રહ્યા છે. આમ, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતાઓ ધરાવતો હોવા છતા સુશાસનનાં પથ પર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು