આરએએફ ગ્લોબલ રેડિયન્સ સ્કોલરશિપ દ્વારા સરકારી શાળાઓમાં હાલના સમયમાં ધોરણ 5 માં ભણતી બાળકીઓને આપવામાં આવતી સ્કોલરશિપમાં જે માળખાકીય જરૂરિયાતો છે જેને લક્ષમાં રાખે છે. તેમજ તેજસ્વી વિદ્યાર્થીનીઓ ઉત્તમ શિક્ષણ મેળવી શકે અને પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે તે માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે.
અમદાવાદ: સમાજના પછાત વર્ગના લોકોને આગળ લાવવા અનેક સંસ્થાઓ કટિબદ્ધ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થા RAF ગ્લોબલ દ્વારા એશિયા અને આફ્રિકા જેવા દેશોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયને જરૂરી સહાયતા પૂરી પાડવાનું ભગીરથ કામ કરી રહી છે. જેમાં તેઓ આરોગ્યથી લઈને શિક્ષણ સુધીની તમામ સહાય નિઃશુલ્કપણે પૂરી પાડે છે.
સંસ્થાના રિજિયોનલ એજ્યુકેશન મેનેજર સુદેશનાબહેન ભોજિયાએ જણાવ્યું હતું કે, આરએએફ ગ્લોબલ સંસ્થા એ એશિયા અને આફ્રિકાના છ જેટલા દેશોમાં સૌથી વધુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયો માટે કામ કરતી સંસ્થા છે. છેલ્લા એક દાયકાથી તે વ્યક્તિગત જીવનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે અલગ અલગ સંસાધનો, ટેકનોલોજી અને પદ્ધતિઓ વગેરે પૂરા પાડીને કામ કરવા પ્રતિબદ્ધ છે. આરએએફ ગ્લોબલ ટકાઉ બદલાવ માટે લોકોને શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ કરાવવા તથા લોકો પોતાના જીવન પર જાતે જ નિયંત્રણ મેળવે તે માટેનું વાતાવરણ પૂરું પાડવામાં માને છે.
સંસ્થાના રિજિયોનલ હેડ તાપસભાઈ સતપથીએ જણાવ્યું હતું કે, ભારતમાં આરએએફ ગ્લોબલ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વિવિધ મુદ્દાઓ અંગે કાર્યરત છે. જેમાં મહિલાઓ અને યુવાનોનું આર્થિક બાબતે જોડાણ તથા આજીવિકાનો સહયોગ, આરોગ્ય અને પોષણનાં કાર્યો, શિક્ષણ અને ટેકનોલોજી, પ્રતિકૂળ આબોહવામાં પણ ટકી રહે એવી ખેતી અથવા આબોહવાને અનુકૂળ ખેતી, સુશાસન, માનવતાવાદી પ્રતિસાદ વગેરે વિષયો પર આ સંસ્થા કામ કરે છે.
RAF ગ્લોબલ સંસ્થા શું છે?
આરએએફ ગ્લોબલ એ એક બિનસાંપ્રદાયિક, બિનનફાકારક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે એશિયા અને આફ્રિકાના છ દેશોમાં સૌથી વધુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઉપેક્ષા પામેલી વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયો માટે કામ કરતી સંસ્થા છે. તે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં કાર્યરત છે. છેલ્લા એક દાયકાથી તે લોકોના જીવનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે અલગ અલગ સંસાધનો, ટેકનોલોજી અને પદ્ધતિઓ વગેરે પૂરા પાડીને કામ કરવા પ્રતિબદ્ધ છે.