સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના સખપર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 7 વર્ષની દીકરીના અપહરણનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા અપહરણકર્તા સગીરાને રાજકોટમાં એકલી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને બગોદરા નજીકથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક હેઠળ આવતા સખપર ગામે પરિવારજનો સાથે રાત્રીના સમયે વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં સૂતેલી 7 વર્ષની સગીરાનું કોઈ શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પરિવારે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની કામગીરી હાથ ધરી હતી. પરંતુ અપહરણનો બનાવ બન્યા બાદ બે દિવસ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને 7 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કાળી ચૌદસે તાંત્રિક વિધિમાં બલિ આપવાના ઈરાદે થયું હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ખાસ તો બાળકીનો જીવ બચાવવાને સૌથી વધુ મહત્વ આપી સૌપ્રથમ તો કાળી ચૌદસના દિવસે સમગ્ર જિલ્લા સહિતના આસપાસના વિસ્તારમાં આવેલા સ્મશાનમાં પણ પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી હતી.પોલીસ ચારે તરફ આરોપીની શોધખોળ કરતી હોવાની જાણ આરોપીને થઈ જતાં આરોપી 7 વર્ષની બાળકીને રાજકોટ ખાતે એકલી મૂકી નાસી છૂટ્યો હતો. બાળકી રાજકોટ ખાતેથી હેમખેમ સહીસલામત મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતુ અને બાળકી સાથે કોઈ અજુગતું કૃત્ય ન બન્યું હોવાની વિગતો બહાર આવતા પોલીસે બાળકીને પરિવારજનોને સોંપી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.