Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.
ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પરિવાજનો રોષે ભરાયા છે અને સ્વસ્થ વ્યક્તિના ટ્રીટમેન્ટ બાદ મોતનો આક્ષેપ લગાવી રહ્યો છે. ઘટના બાદ મૃતક દર્દીના ગ્રામજનો મોટી સંખ્યામાં
હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને સમગ્ર ઘટનાને લઇને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી પર નિશાન સાધ્યું હતું. ડૉ.પ્રશાંત નામના તબીબે સારવાર કર્યાનો આરોપ છે.
હોસ્પિટલની ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયુ છે. સમગ્ર ઘટનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખુબજ ગંભીર છે. PMJAYની ખોટો દુરૂપયોગ કરનાર યુનિટની તપાસના આદેશ અપાયા છે. આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ‘સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ,તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.
આ સમગ્ર ઘટનામાં જ્યારે મૃતકના પરિજનો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે પરિવારજનોનું કહેવાનું હતું કે, પરિજનોને જાણ કર્યાં વિના સર્જરી કરવામાં આવી હતી. આ સમગ્ર સારવાર આયુષ્યમાન કાર્ડ પર કરવામાં આવી હતી. “મફ્ત મેડિકલ કેમ્પના દર્દીઓની સાથે જ્યારે abp અસ્મિતાના સંવાદદાતાએ વાત કરી તો તેમનું કહેવાનું હતું કે, નસ બ્લોક હોવાનું કહીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબીબોએ કેટલાકને ઓપરેશન કરાવવાની વાત કરી હતી. હૃદયનો રિપોર્ટ કઢાવી હોસ્પિટલ આવવાની વાત કરી હતી. કેમ્પ કરીને ગ્રામજનોને ભેગા કરાયા હતા. રિપોર્ટ કઢાવવાના બહાને ગ્રામજનોને અમદાવાદ લવાયા હતા. એન્જીયોગ્રાફી કરીને સ્ટેન્ટ મુકવાની દર્દીના પરિજનને પણ જાણ કરી ન હતી. આયુષ્માન કાર્ડમાંથી હોસ્પિટલ સત્તાધીશોએ પૈસા કાપી લીધા હતા”
Author: VS NEWS DESK
pradeep blr