Search
Close this search box.

Surendranagar જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નોને લઈ કુવરજી બાવળીયાએ યોજી બેઠક

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધાંગધ્રા, થાનગઢ અને ચોટીલા તાલુકામાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં લોકોનાં પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી.

લોકના પ્રશ્નોની સમસ્યા જાણી

આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આગેવાનો પાસેથી સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી. આ તકે મંત્રીશ્રીએ સર્વેને તાકીદ કરતાં કહ્યું હતું કે, સૌની યોજના અન્વયે કામગીરી હાલ પ્રગતિ હેઠળ જ છે, જે વહેલીતકે પૂર્ણ થશે. જેનો લાભ નાગરિકોને મળવાનો છે. વધારાનું વહી જતું પાણી મળી રહ્યું છે ત્યારે, પાણીની કિંમત સમજીને સિંચાઈ માટે મળતું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. પીવાનાં પાણીનો પણ દુરપયોગ કે બગાડ ન થાય તેનું ધ્યાન રાખી યોગ્ય રીતે પાણીનો વપરાશ કરવો તે આપણા સૌની ફરજ છે.

તળાવ ઉંડા કરવાની કામગીરી કરાશે

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાઈપલાઈન સુધારણા અન્વયે જૂની નાની પાઈપલાઈન કાઢી મોટી પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે ગામમાં પૂરતું સ્ટોરેજ ન હોય ત્યાં સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગામ સુધી પાણી પહોંચ્યા બાદ ગામમાં સુચારૂ રીતે વિતરણ કરવાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે. હાલ મોટા ભાગનાં તળાવો ઉંડા થઈ ચૂક્યા છે. બાકી રહેતા તળાવોમાં વરસાદી પાણી ભરાયેલા હોય, આથી તળાવમાં પાણી ઓછું થયે તળાવ ઊંડા કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.

લોકો પોતાની નૈતિક જવાબદારી સમજે

મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સિંચાઈના પાણીનાં પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ઓછા પાણીએ થતી ખેતી પધ્ધતિ જેવી કે, ડ્રિપ ઇરીગેશન પધ્ધતિ, ટપક સિંચાઈ પધ્ધતિ વગેરે જેવી ટેકનિકો અપનાવી જોઈએ. જેથી ઓછા પાણીએ પણ સારી ખેતી કરી વધુ આવક મેળવી શકાય. બને તેટલો પાણીનો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયાસો સર્વેએ પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી કરવા જોઈએ.

ધારાસભ્ય રહ્યાં હાજર

આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જુદાંજુદાં ગામના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનધિઓ, આગેવાનો, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશકુમાર શર્મા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીઓ, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr