અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષ ઉજવણી કરી રહેલા લોકો પર આતંકવાદી શમસુદ્દીન જબ્બારે ટ્રક ફેરવીને 15 લોકોને મારી નાખ્યા. લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર ટેસ્લા ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થયો. આ ઘટનાઓ શું સૂચવે છે?
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 20મી તારીખે શપથ ગ્રહણ કરીને સત્તાવાર રીતે અમેરિકાનો હવાલો સંભાળવાના છે. આખી દુનિયાને જાતજાતની ધમકીઓ આપતા ટ્રમ્પ માટે આતંકવાદ મોટો પડકાર બની રહેવાનો છે!
નવા વર્ષ 2025ના આગમન સાથે અમેરિકા આતંકવાદી હુમલાથી ધણધણ્યું છે. અમેરિકા સહિત દુનિયાભરના મીડિયા આ ઘટનાને અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખતરનાક સ્વાગતની ઘટના ગણાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તારીખ 20મી જાન્યુઆરી, 2025ના રોજ શપથ ગ્રહણ કરીને સત્તાવાર રીતે અમેરિકાનો હવાલો સંભાળવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી ધમકીની ભાષા બોલી રહ્યા છે. આ દેશ સાથે આમ કરી નાખીશ અને તે દેશ સાથે તેમ કરી નાખીશ જેવી વાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવાની વાતો કરીને પ્રેસિડેન્ટની ચૂંટણી જીત્યા છે. નવા વર્ષના પ્રારંભે જ બનેલી આતંકવાદી ઘટના બાદ લોકો કહી રહ્યા છે કે, પહેલા અમેરિકાની વાત કરો, બાકીનું બધું પછી થઇ રહેશે! અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં લોકો નવા વર્ષની ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે જ શમસુદ્દીન જબ્બાર નામના આતંકવાદીએ નાચતા ગાતા લોકો પર ટ્રક ફેરવી દીધી. પંદર લોકોના ઘટના સ્થળે જ મોત થયા અને 35 લોકો ઘાયલ થયા. અમેરિકાની સિક્યોરિટી એજન્સીઝ હજુ આ ઘટનાના ભેદભરમ ઉકેલવાના પ્રયાસો કરતી હતી ત્યાં જ લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર ટેસ્લાની કારમાં પ્રચંડ બ્લાસ્ટ થયો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક માટે અત્યારે જય-વીરુની જોડી જેવી વાત થઇ રહી છે. ટ્રમ્પ જીત્યા એ પછી એલન મસ્કની ચકલી ફૂલેકે ચડી છે. એલન મસ્કની કંપનીની સળગતી ટેસ્લા કાર અને ટ્રમ્પ હોટલના નામવાળી તસવીર વાઇરલ થઇ છે. આ તસવીર પાછળના સંકેતો બિહામણા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઘણાથી સહન થઇ નથી. આતંકવાદી સંગઠનો ટ્રમ્પના વિજયમાં પોતાની હાર જોઇ રહ્યા છે. આતંકવાદી હુમલાની ઘટના ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર છે કે, અમે પણ તૈયાર છીએ, આવી જાવ મેદાનમાં!
કોઇપણ સેલિબ્રેશન હોય, અમેરિકાના લુઇસિયાના સ્ટેટમાં આવેલ ન્યૂ આર્લિયન્સ શહેરની બોર્બન સ્ટ્રીટ પર લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે અને મોજ મસ્તી કરે છે. આ સ્ટ્રીટ પર અનેક પ્રસિદ્ધ બાર, રેસ્ટોરન્ટ અને હોટલ આવેલી છે. નવા વર્ષનું આગમન થયું એ પછી પણ કલાકો સુધી લોકો બોર્બન સ્ટ્રીટ પર નાચતા ગાતા હતા. રાતના સવા ત્રણ વાગ્યા હતા. એ સમયે જ એક ટ્રક આવી અને લોકો પર ફરી વળી. લોકો પર ટ્રક ફેરવી દીધા પછી પણ હુમલાખોરને સંતોષ થયો નહોતો એટલે હાથમાં મશીનગન લઇ ટ્રકમાંથી ઉતરી લોકો પર આડેઘડ ફાયરિંગ કરવા લાગ્યો હતો. પોલીસ પણ તરત જ હરકતમાં આવી ગઇ હતી અને હુમલાખોરને ગોળી મારી પતાવી દીધો હતો. ઘટના બની એ સાથે જ એ સવાલ ઉઠ્યો હતો કે, હુમલાખોર કોણ હતો? તેણે આવું કૃત્ય શા માટે કર્યું? જે વિગતો બહાર આવી એ ચોંકાવનારી હતી. એનું કારણ એ હતું કે, જેણે હુમલો કર્યો એ શમસુદ્દીન જબ્બાર અમેરિકાની સેનામાં જ ફરજ બજાવી ચૂક્યો હતો. 42 વર્ષનો શમસુદ્દીન જબ્બાર અમેરિકાના ટેકસાસમાં રહેતો હતો. તેણે 2007થી 2020, તેર વર્ષ સેનામાં કામ કર્યું હતું. અમેરિકાની સેના જ્યારે અફઘાનિસ્તાનમાં હતી ત્યારે શમસુદ્દીન જબ્બારને અફઘાનિસ્તાનમાં પણ સૈન્ય ફરજ માટે મોકલવામાં આવ્યો હતો. આતંકી હુમલો કરતા પહેલા શમસુદ્દીન જબ્બારે કેટલાંક વીડિયો પણ બનાવ્યા હતા. અમેરિકન એજન્સીઓનું કહેવું છે કે, શમસુદ્દીને જબ્બારે જે કર્યું એ ભલે વુલ્ફ એટેક એટલે કે એકલાએ અંજામ આપેલી ઘટના લાગતી હોય પણ તેની પાછળ બીજા લોકો હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સેના છોડી એ પછી ચાર વર્ષમાં એવું તે શું થઇ ગયું કે, દેશ માટે જ લડનારો જ દેશનો દુશ્મન બની ગયો? શમસુદ્દીન જબ્બારે જે ટ્રક લોકો પર ફેરવી દીધી હતી એ ટ્રકમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ઝંડો, હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. જબ્બારનો ઇરાદો તો વધુ લોકોને મારવાનો હતો પણ કદાચ તેણે જે ધાર્યું હતું એ કરી શક્યો નહોતો.
આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં પણ રાજકારણ ગરમાયું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આપણા દેશમાં ગુનાખોરી એ હદે પહોંચી ગઇ છે જેવી અગાઉ ક્યારેય નહોતી. મેં જ્યારે એવું કહ્યું હતું કે, દેશમાં જે ગુનેગારો આવી રહ્યા છે એ દેશના અપરાધીઓ કરતા વધુ ખતરનાક છે ત્યારે ડેમોક્રેટિક પાર્ટી અને ફેક ન્યૂઝ મીડિયાએ તેનો ઇન્કાર કર્યો હતો. હવે મારી વાત સાચી સાબિત થઇ રહી છે. ટ્રમ્પે આવું કહીને પણ બહારથી અમેરિકામાં આવતા લોકોને ટાર્ગેટ કર્યા છે. અલબત્ત, શમસુદ્દીન જબ્બાર તો અમેરિકાનો જ હતો અને તેણે સેનામાં પણ કામ કર્યું હતું. આ ઘટના વિશે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં જ અમેરિકાના લાસ વેગાસમાં હોટલ ટ્રમ્પની બહાર ટેસ્લા કારમાં બ્લાસ્ટની ઘટના બની. ટેસ્લાની કારમાં જે માણસ હતો એ પણ ધડાકાની સાથે મૃત્યુ પામ્યો હતો. બ્લાસ્ટના કારણે સાત લોકોને નાની મોટી ઇજા થઇ હતી. શું આ ઘટના પણ આતંકવાદી કૃત્ય છે? અમેરિકન એજન્સીઓ હવે કાર બ્લાસ્ટના ભેદભરમ ઉકેલવા મથી રહી છે. ઉપરાછાપરી બે ઘટનાઓ બનતા અમેરિકાની પોલીસ એલર્ટ થઇ ગઇ છે. ટ્રમ્પની શપથવિધિના દિવસ સુધી શાંતિ જળવાઇ રહે એ માટે અમેરિકાનું પોલીસ તંત્ર મથી રહ્યું છે. આ દરમિયાનમાં જ ન્યૂયોર્કની નાઇટ ક્લબમાં શૂટઆઉટની ઘટના બહાર આવી છે.
અમેરિકા સુપર પાવર કન્ટ્રી છે એમાં ના નહીં પણ અમેરિકા સામે પણ અત્યારે અનેક પડકારો ખડા છે. અમેરિકા પોતાના ગાલે તમાચા મારીને ગાલ લાલ રાખે છે અને ફૂલગુલાબી ચિત્ર દેખાડે છે એવું અમેરિકાના અર્થશાસ્ત્રીઓ જ કહી રહ્યા છે. પ્રેસિડેન્ટ જો બાઇડેનના સમયમાં અમેરિકાની ઇમેજ ઘસાઇને ઝાંખી થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇમેજને પાછી ચકચકિત કરવાની વાતો કરે છે પણ એ ટ્રમ્પ માટે સહેલું રહેવાનું નથી. મોટી મોટી વાતો કરવી અને ખરેખર કામ કરીને બતાવવું એ બંનેમાં બહુ મોટો ફર્ક છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીના પ્રચારમાં કહ્યું હતું કે, હું ચૂંટાઇશ તો શપથ ગ્રહણ કરું એ પહેલા રશિયા અને યૂક્રેનનું યુદ્ધ પૂરું કરાવી દઇશ. હજુ સુધી તેઓ વાતો કરવા સિવાય કંઇ કરી શક્યા નથી. ટ્રમ્પ બાકી બધું તો કરી લેશે પણ આતંકવાદને અટકાવવો એ તેમના માટે કપરું કામ સાબિત થવાનું છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના કારણે આતંકવાદ ફરીથી ઉથલો મારે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા ફરીથી એક્ટિવ થઇ રહ્યા છે. અમેરિકાએ એ વાત ભૂલવી ન જોઇએ કે, ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ સાથી દેશો સાથે મળીને છેડેલી વોર અગેઇન્સ્ટ ટેરેરિઝમ છતાં આતંકવાદમાં ખાસ કશો ફેર પડ્યો નથી. હવે ટ્રમ્પ આવે એ પહેલા જ આતંકવાદીઓ મોરચા માંડી રહ્યા છે!