કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? તૈયારીઓ ચાલી રહી છે પુરજોશમાં

રાષ્ટ્રીય ભાજપે પ્રદેશ પ્રમુખ માટે નિરીક્ષકોની નિયુક્તિ કરી દીધી છે. ગમે ત્યારે નિરીક્ષકો રાજકીય પીચ પર પહોંચશે અને પ્રદેશ પ્રમુખ માટે સેન્સ મેળવશે. ગુજરાત ભાજપના અત્યાર સુધીમાં 10 પ્રમુખ રહી ચૂક્યા છે. આવનારા દિવસોમાં 11માં પ્રદેશ પ્રમુખ તરીકેની સેન્સ પ્રક્રિયા યોજવાની છે. અગાઉ ભાજપના પ્રમુખો પર નજર કરીએ તો એવો સિલસિલો રહ્યો છે કે ધારાસભ્ય અથવા તો સાંસદ સભ્યને પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી મળી હોય. હવે આગામી પ્રદેશ પ્રમુખની નિયુક્તમાં આ સિલસિલો યથાવત રહેશે કે કેમ જોઈએ આ ખાસ રિપોર્ટમાં.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવ કે જેમને રાષ્ટ્રીય ભાજપના મોવડી મંડળ દ્વારા સંગઠન પર્વ 2024-25ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ જાન્યુઆરી મહિનામાં મળશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ નિરીક્ષક ગુજરાત આવશે અને સેન્સ પણ લેશે. પરંતુ ગુજરાત પ્રદેશ એક સૂરમાં કહેશે કે હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે માન્ય હશે, જો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા છે.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે

વર્તમાન ધારાસભ્ય અથવા તો સાંસદ સભ્ય વર્તમાન સમયમાં હોય તેની ઉપર પ્રદેશ પ્રમુખનો કળશ ઢોળશે કે કેમ તે સવાલ છે. કેમકે વર્તમાન કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને 10માં પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ 4 વર્ષ માટે નિયુક્ત કર્યા હતા. સી.આર.પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારે તેઓ નવસારી લોકસભાના સાંસદ હતા. તે પૂર્વે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પણ ત્રણ વર્ષથી પણ વધુનો રહ્યો છે. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય હતા. જીતુ વાઘાણી પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આઠમાં પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત પામ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મૂળ રાજકોટના અને તેમનો ગુજરાત પ્રદેશ ભાજપમાં કાર્યકાળ ખૂબ જ ટૂંકો એટલે કે 173 દિવસનો રહ્યો છે.

સૌથી વધારે સમય પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો રેકોર્ડ રાજેન્દ્રસિંહ રાણાના નામે

વિજય રૂપાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય હતા. વિજય રૂપાણી પૂર્વે સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ તેઓ 6 વર્ષ જેટલા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. મૂળ જામનગરના આરસી ફળદુ કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ જામનગર સાઉથના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખની સમયગાળામાં રહ્યા છે. આરસી ફળદુ પૂર્વે પુરુષોત્તમ રૂપાલા કે જેવો ત્રણ વર્ષ અને 98 દિવસ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી તેમના શીરે હતી. પુરુષોત્તમ રૂપાલા પૂર્વે રાજકોટથી આવતા વજુભાઈ વાળા એક વર્ષ અને 150 દિવસ સુધી પ્રદેશ પ્રમુખ કાર્યકાળ રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સમય વજુભાઈ વાળા રાજકોટ વેસ્ટ વિધાનસભામાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભાજપના સૌથી લાંબા સમય સુધી પ્રદેશ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો કાર્યકાળ રાજેન્દ્રસિંહ રાણાના નામે છે. રાજેન્દ્રસિંહ રાણા 1998થી 2005 એમ કુલ 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે. આ અંગે ભાજપ પ્રવકતા કહે છે કે જે યોગ્ય રીતે કામગીરી કરતા હોય તેને પાર્ટી પ્રમુખ પદે સ્થાન આપતી હોય છે.
આ મહિનામાં જ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી શકે

હાલમાં જિલ્લા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમની 50 ટકા નિયુક્તિ પૂર્ણ થાય કે તુરંત જ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં કેટલાક નામ ચર્ચામાં છે તો સામાજિક સમીકરણો મુજબ પાર્ટી અધ્યક્ષના નામની જાહેરાત કરશે. ઓબીસીમાં જોઈએ તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, પૂર્વ મંત્રી અને મેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. પરંતુ પાર્ટી યોગ્યતા જોઈને સ્થાન આપતી હોય છે, પરંતુ પાર્ટીમાં હવે 11માં પ્રદેશ પ્રમુખ પદે ભૂતકાળનો સિલસિલો જળવાયેલો રહે છે કે સંગઠનના અનુભવીને સ્થાન મળે છે તે જોવું રહ્યું.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು