કૃષ્ણાએ ચૉપરથી શુભદા પર હુમલો કર્યો ત્યારે ત્યાં સિક્યૉરિટી સ્ટાફ સહિત બીજા ઘણાબધા લોકો હાજર હતા. એ વખતે કૃષ્ણાના હાથમાં જાડું ધારદાર ચૉપર હતું એટલે કોઈએ તેમની વચ્ચે પડવાની હિંમત નહોતી કરી. થોડી વાર બાદ કૃષ્ણાએ તેના હાથમાંનું ચૉપર જમીન પર સહેજ દૂર ફગાવી દેતાં સિક્યૉરિટીનો સ્ટાફ અને બીજા લોકો દોડી આવ્યા હતા અને કૃષ્ણાને ઝડપી લઈને તેની મારઝૂડ કરી હતી. એવું કહેવાય છે કે બન્ને વચ્ચે પૈસાને લઈને કોઈ વિવાદ હતો એમાં કૃષ્ણાએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું.
બન્ને જણ કંપનીના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે શુભદાએ કૃષ્ણા પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. પિતા બીમાર છે એમ કહીને શુભદાએ ક્યારેક ૫૦,૦૦૦ તો ક્યારેક ૨૫,૦૦૦ રૂપિયા એમ કરીને તેની પાસેથી થોડા-થોડા કરીને ૪ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એ પછી કૃષ્ણા પૈસા પાછા માગતો ત્યારે તે ટાળી દેતી હતી. એથી કૃષ્ણાને તેના પર શંકા ગઈ કે શુભદા તેને ખોટું કહી રહી છે એટલે તે શુભદાના ગામ કરાડ પહોંચી ગયો હતો. ત્યાં તેણે જોયું કે શુભદાના પિતા તો એકદમ સ્વસ્થ છે એટલે તેણે ફરી શુભદા પાસે પૈસાની માગણી કરી હતી. એ પછી શુભદાએ ૧.૨૦ લાખ રૂપિયા પાછા આપ્યા હતા. દરમ્યાન કૃષ્ણાને આંખમાં તકલીફ થઈ હતી અને એની ટ્રીટમેન્ટ કરાવવી પડે એમ હતી જે કૉસ્ટ્લી હતી. એથી તેણે એ માટે શુભદા પાસે પૈસા માગ્યા હતા. એમ છતાં શુભદાએ તેને પૈસા ન આપતાં તે વીફર્યો હતો અને શુભદા પર ચૉપરથી ઘા કરી દીધા હતા. બુધવારે શુભદા જૉબ પરથી છૂટીને ઘરે જવા પાર્કિંગમાં તેની ગાડી પાસે આવી રહી હતી ત્યારે કૃષ્ણાએ તેના પર હુમલો કર્યો હતો. તેણે પહેલાં શુભદાનો હાથ કાપી નાખ્યો હતો અને અન્ય ઘા પણ કર્યા હતા જેને કારણે તેનું મૃત્યુ થયું હતું.
Author: VS NEWS DESK
pradeep blr