નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ડાર્ક વેબ, ક્રીપ્ટોકરન્સી, ઓનલાઇન માર્કેટપ્લેસ અને ડ્રોન્સ દેશ માટે મોટો પડકાર બની રહ્યા છે, અને આકરા પગલા દ્વારા તેની ચકાસણી થવી જરૂરી છે. દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત સ્થાનિક કોન્ફરંસમાં ગૃહ મંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં એક પણ કિલો ડ્રગ્સ નહીં ઘૂસવા દેવાય. તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં સમગ્ર દેશમાંથી એનસીબી, પોલીસ દ્વારા ૧૬,૯૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે સરકારે ન માત્ર ડ્રગ્સ નેટવર્કને તોડયું છે સાથે સાથે ડ્રગ્સ નેટવર્ક અને આતંકવાદ બન્ને વચ્ચેની લિંકનો પણ નાશ કર્યો છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં અનેક નાર્કો-ટેરેરિઝમના કેસોને ખુલ્લા પાડવામાં આવ્યા છે. આજે પણ ડાર્ક વેબ, ક્રીપ્ટોકરન્સી, ઓનલાઇન માર્કેટપ્લેસ અને ડ્રોન મોટો પડકાર રહ્યા છે. દેશની સુરક્ષા અને વિકાસ માટે કેન્દ્ર સરકાર, રાજ્યો અને ટેક્નોક્રેટ્સે સાથે મળીને સંયુક્ત પ્રયાસ કરીને આ તમામ સમસ્યાઓનું ટેક્નીકલ સમાધાન શોધવું જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઝડપાયેલા ડ્રગ્સના આંકડા પણ જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોની પોલીસ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સંયુક્ત અભિયાન દરમિયાન ગયા વર્ષે ૧૬,૯૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કોઇ પણ દેશના યુવાનો ડ્રગ્સના દુષણથી પીડિત હોય ત્યાં સુધી દેશનો વિકાસ ના થઇ શકે. આપણી જવાબદારી બને છે કે આ ડ્રગ્સના નશા સામે અભિયાન ચલાવીએ. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન કુલ ૩.૬૩ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું, જ્યારે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૨૪ લાખ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. એટલે કે અગાઉના દસકા કરતા સાત ગણુ વધુ ડ્રગ્સ જપ્ત કરાયું છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ૮૧૫૦ કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરાયો હતો, પરંતુ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૫૪,૮૧૫ કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરાયો છે.
Author: VS NEWS DESK
pradeep blr