ચાંદખેડા આઈઓસી રોડ પર પોલીસ લખેલ પ્લેટ રાખેલી કારે પુરઝડપે ચલાવીને લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી.
જેથી લોડીંગ રીક્ષામાં સવાર પિતા અને 11 વર્ષનો પુત્ર રસ્તા પર પટકાઈ પડયા હતા. જેમાં પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. કારમાં પોલીસ લખેલી પ્લેટ મળી આવી હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ચાંદખેડાના ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા 41 વર્ષીય ગંગારામ ગૂજ્જર લોડીંગ રીક્ષા ચલાવે છે. રવિવારે બપોરના સમયે તેઓ તેમના 11 વર્ષના દિકરા શંકર ગૂજ્જર સાથે લોડીંગ રીક્ષા લઈને ચાંદખેડા આઈઓસી રોડ સ્નેહા પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ ટોયેટા ટીયાગો કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે ગંગારામ અને પુત્ર શંકર બન્ને રસ્તા પર પટકાઈ પડયા હોવાથી શંકરનું ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે ઈજાગ્રસ્ત ગંગારામને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલક ભાગે તે પહેલા જ તેને પકડી પોલીસને સોંપ્યો હતો. એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક તરુણ પરમાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તરૂણ પરમાર મણીનગર ખાતે રહેતો અને મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું પૂછપરછમાં સામે આવ્યુ હતુ. જ્યારે કારમાં પોલીસની પ્લેટ મળી આવી છે. આરોપી પોલીસમાં નથી તોતે પ્લેટ કેમ લગાવી છે તે મામલે હાલ તપાસ કરાઈ રહી છે.