Rajasthan ACB Raid News: રાજસ્થાનના જયપુરમાં એક સરકારી એન્જિનિયર કરોડોની મિલકતનો માલિક નીકળ્યો છે. આ મિલકત તેની પાસે વારસાગત નહીં પરંતુ લાંચ અને રૂશ્વતના માર્ગે ઉભી કરેલી છે. એન્ટી કરપ્શન બ્યૂરોના દરોડામાં લોક નિર્માણ વિભાગ (PWD) એન્જિનિયર દીપક કુમાર મિત્તલ પાસે તેની કમાણીના 205 ટકાથી વધુ સંપત્તિ મળી આવી છે. જોધપુર, જયપુર, ઉદયપુર અને હરિયાણાના ફરિદાબાદ સ્થિત મિત્તલના છ સ્થળોએથી 17 પ્લોટ ઉપરાંત રૂ. 50 લાખ રોકડ મળી આવી છે.
એન્ટી કરપ્શન બ્યૂરોને સરકારી XEN (એક્ઝિક્યુટીવ એન્જિનિયર) દીપક કુમાર મિત્તલ ખુલ્લેઆમ લાંચ લઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, દિપક કુમારના ઘરે લાંચ પેટે રૂ. 50 લાખ મોકલવામાં આવ્યા છે. આ રૂપિયાનો નિવેડો લાવવા દિપક બે દિવસની અંદર જમીનનો સોદો કરવાનો છે. એસીબીએ તે સોદો કરે તે પહેલાં જ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતાં.
રૂ. 5 કરોડથી વધુની સંપત્તિ હોવાનો ખુલાસો
એસીબીની તપાસમાં XEN પાસે રૂ. 5 કરોડથી વધુ સંપત્તિ હોવાનો ખુલાસો કર્યો હતો. તેની પાસેથી રૂ. 50 લાખ રોકડા અને છ સ્થળો પર 17 પ્લોટ હોવાનું જણાવ્યું હતું. તેના ત્રણ બેન્ક લોકર્સ આજે ખોલવામાં આવશે. દીપકે પોતાના સગા-સંબંધીઓના નામે પણ બેનામી સંપત્તિ ખરીદી હતી. જેથી એસીબી તેના સગા-સંબંધીઓની આવકની વિગતો પણ મેળવી રહી છે. આરોપીનો દિકરો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એમબીબીએસ કરે છે, જ્યારે દિકરી રાજસ્થાનના ચુરૂમાં એમડીનો અભ્યાસ કરી રહી છે.
આરોપીના નામે 18 બેન્ક ખાતા
જયપુરમાં એક કરોડથી વધુ કિંમતના ચાર પ્લોટ, ઉદયપુરમાં રૂ. 1.50 કરોડથી વધુ કિંમતના 10 પ્લોટ, બ્યાવર અને અજમેરમાં લાખોની કિંમતના ત્રણ પ્લોટ મળી આવ્યા છે. જયપુરના બરકત નગર સ્થિત તેના ઘરેથી રૂ. 50 લાખ રોકડા, 500 ગ્રામ સોનું અને 1.50 કિગ્રા ચાંદી મળી આવી છે. એન્જિનયિર 18 બેન્ક ખાતા ધરાવે છે. જેમાં રૂ. 40 લાખ જમા છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 50 લાખનું રોકાણ કર્યું છે. એસીબીના ડીજી રવિપ્રકાશ મેહરાડે જણાવ્યું કે, મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં XEN આરોપી પુરવાર થતાં દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેના ત્રણ બેન્ક લોકર્સ આજે ખુલશે, જેમાંથી વધુ સંપત્તિ અને મુદ્દામાલનો ખુલાસો થવાની શક્યતા છે.