દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
ભારતીય રેલવે દ્વારા પ્રતિદિન હજ્જારો મુસાફરો એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે મુસાફરી કરતા હોય છે. આમા મોટાભાગના લોકો તેમની મુસાફરી સુઆયોજિત હોય તો રિઝર્વેશન કરાવીને યાત્રા કરતા હોય છે. તો કેટલાક છેલ્લી ઘડીએ ઈમરજન્સીને લઈને રેલવે દ્વારા યાત્રા કરતા હોય છે. રેલવે મુસાફરી કરનારા તમામ વર્ગના લોકો પૈકી, કેટલાકને અગ્રતા આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા અને વિકલાંગ વ્યક્તિને બેઠક ફાળવવામાં અગ્રતા આપવામાં આવે છે. આવી વ્યક્તિઓને મોટાભાગે લોઅર બર્થ મળે તેવા પ્રયાસ રેલવે દ્વારા હાથ ધરાતા હોય છે.
ભારતીય રેલવે દ્વારા સીનીયર સીટીઝન, મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને લોઅર બર્થની જોગવાઈઓની સુવિધા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે. વરિષ્ઠ નાગરિક, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે લોઅર બર્થ નક્કી કરવામાં આવી છે. રાજધાની અને શતાબ્દી પ્રકારની ટ્રેનો સહિત તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં વિકલાંગ વ્યક્તિઓ માટે પણ આરક્ષણ ક્વોટા રાખવામાં આવેલ છે.
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં પ્રશ્નનો જવાબ આપતાં, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગોને લોઅર બર્થ ફાળવવા માટે ભારતીય રેલવેના ચાલી રહેલા પ્રયાસો પર વિગતો પૂરી પાડી હતી. વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને સગર્ભા સ્ત્રીઓને રેલવે ટિકિટ બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાને આધીન લોઅર બર્થ આપમેળે ફાળવવામાં આવે છે.
- સ્લીપર ક્લાસ કોચમાં પ્રતિ કોચ છ થી સાત લોઅર બર્થનો ક્વોટા.
- એર કન્ડિશન્ડ 3 ટાયર (3 AC) માં પ્રતિ કોચ ચારથી પાંચ લોઅર બર્થ.
- એર કન્ડિશન્ડ 2 ટાયર (2AC) માં પ્રતિ કોચ ત્રણથી ચાર લોઅર બર્થ.
- આ જોગવાઈ મહત્તમ સુવિધા સુનિશ્ચિત કરવા ટ્રેનમાં કોચની સંખ્યાના આધારે ઉપલબ્ધ હોય છે.
વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષણ ક્વોટાની સુવિધા રાજધાની અને શતાબ્દી-પ્રકારની ટ્રેનો સહિત તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ પડે છે, પછી ભલેને રાહતની સવલતો મળી હોય કે ના હોય.
- સ્લીપર ક્લાસમાં ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત).
- 3AC/3E માં ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત).
- રિઝર્વ્ડ સેકન્ડ સીટિંગ (2S) અથવા એર-કન્ડિશન્ડ ચેર કાર (CC) માં ચાર સીટ
મુસાફરી દરમિયાન ખાલી લોઅર બર્થની સ્થિતિમાં, વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે જેમને શરૂઆતમાં મધ્યમ અથવા ઉપરની બર્થ ફાળવવામાં આવી હોય. ભારતીય રેલવે આ સમાવિષ્ટ પગલાં દ્વારા સરળ અને આરામદાયક મુસાફરીના અનુભવો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને સલામત અને અનુકૂળ મુસાફરી માટે આ સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.