અમદાવાદ: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પૂછપરછ દરમિયાન કૌભાંડ મુદ્દે વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે. કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનો મેડિકલ માફિયા કાર્તિક પટેલ અન્ય હોસ્પિટલને કમિશન આપી દર્દીઓ લઈ આવતા હોવાનો ખુલાસો થયો છે. કઈ કઈ હોસ્પિટલમાંથી કેટલું કમિશન આપીને દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં લવાતા હતા તેની તપાસની જરૂરિયાત હોવાની પણ સરકારી વકીલે રિમાન્ડની માંગણી સમયે રજૂઆત કરી હતી.
હ્રદયની ધમનીઓમાં 30થી 40 ટકાનું જ બ્લોકેજ હોય તેમના ખોટા રિપોર્ટ બનાવી 80થી 90 ટકા સુધીનું બ્લોકેજ દર્શાવાતું હોવાનો પર્દાફાશ થયો છે. વધુ બ્લોકેજ બતાવી સ્ટેન્ટ મૂકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રુપિયા કમાવવાનું ષડયંત્ર રચ્યું હોવાની સરકારી પક્ષે અદાલતમાં રજૂઆત કરી હતી.
ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલે વિદેશમાં ફરવા માટે 50 લાખ ફૂંકી માર્યા. અમદાવાદ આવવા છેલ્લા 10 દિવસથી ટિકિટ બૂક કરવા કોશિશ કરતો હતો. પત્ની સાથે 15 દિવસ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ફર્યો હતો. બાદમાં બે મહિના દુબઇમાં રોકાયો હતો.
દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા
રાજ્યમાં કુખ્યાત થયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કેટલાક દર્દીઓના મોત થયા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ સમયે કાર્તિક પટેલ વિદેશ હતો. તેથી પોલીસ ધરપકડથી બચવા માટે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગ્યો હતો.
ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. કાર્તિક પટેલ હેલ્થ,એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો. તે પહલેા ઑસ્ટ્રેલિયા હતો પછી દુબઇ આવી ગયો હતો.
પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો
કાર્તિક પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. નોંધનિય છે કે, કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, જમાઈ મારફતે કરેલી આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ખ્યાતિકાંડના બધા આરોપીની આગોતરા જમીન અરજી નામંજુર કરવામાં આવી હતી.